મોદીની મુલાકાત પહેલા ઝુકરબર્ગની વોલ પર પટેલોનું હલ્લાબોલ:છવાયો અનામતનો મુદ્દો
માર્ક ઝુકરબર્ગની પોસ્ટનો ઉપયોગ કરીને પાટીદારો ભારતની જાતિ આધારિત અનામત પ્રથાના મુદ્દાને આંતર રાષ્ટ્રીય સ્તરે ચમકાવવા ઈચ્છે છે.
એનઆરઆઈ દ્વારા હવે પોલીસ અત્યાચારનો મુદ્દો યુએનમાં લઈ જવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વિદેશોમાં બદનામી થવાના ભયે કેન્દ્ર સરકાર ફફડી ઉઠી છે
અમેરિકા યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી ફેસબુકના સ્થાપક-માલિક માર્ક ઝુકરબર્ગ સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત પર પાટીદારોનું ગ્રહણ લાગવાની શક્યતાઓ સર્જાઈ છે. પટેલો માર્ક ઝુકરબર્ગ સુધી ભારતની જાતિવાદી અનામત પ્રથા અંગેના સવાલો પહોંચાડવા લાગ્યા છે. જેથી તેઓ મોદી સમક્ષ એ સવાલ ઉઠાવી શકે.
ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનના છાંટા હવે મોદીની અમેરિકા યાત્રા પર પણ ઉડે તેવી શક્યતાઓ ઉભી થઈ છે. ગુજરાતમાં પાટીદારો પર પોલીસે ગુજારેલા અત્યાચારો મુદ્દે અમેરિકા સહિતના વિદેશોના પાટીદારોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. એનઆરઆઈ દ્વારા હવે પોલીસ અત્યાચારનો મુદ્દો યુએનમાં લઈ જવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના પગલે વિદેશોમાં બદનામી થવાના ભયે કેન્દ્ર સરકાર ફફડી ઉઠી છે ત્યાં હવે પાટીદારોએ એક નવો દાવ રમ્યો છે. જે મોદીની ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગની મુલાકાત પર અસર પાડી શકે તેમ છે.
24 સપ્ટેમ્બરથી શરૂ થનારા પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી 27મીએ સવારે સાડા નવ વાગ્યાના સુમારે માર્ક ઝુકરબર્ગ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત અંગે ઝુકરબર્ગ ભારે ઉત્સાહી છે. જેના કારણે ઝુકરબર્ગે પોતાની ફેસબુક વોલ પર એક પોસ્ટ મુકી છે. જેમાં તેણે લખ્યું છે કે, વડાપ્રધાન મોદી અને તેઓ વિવિધ કોમ્યુનિટીઝ કેવી રીતે સામાજિક અને આર્થિક પડકારોનો સામનો કરી શકે એ અંગે ચર્ચા કરવાના છે. તેઓ લખે છે કે, અમે તમારા સવાલો સાંભળવા ઈચ્છીએ છીએ. જો તમે મોદીને સવાલ પૂછવા ઈચ્છતા હોવ તો કોમેન્ટ્સમાં સવાલો મુકો. હું શક્ય એટલા સવાલો તેમના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ.
માર્ક ઝુકરબર્ગની ઉપરોક્ત પોસ્ટનો ઉપયોગ કરીને પાટીદારો ભારતની જાતિ આધારિત અનામત પ્રથાના મુદ્દાને આંતર રાષ્ટ્રીય સ્તરે ચમકાવવા ઈચ્છે છે. એ માટે તેમણે વોટ્સએપ પર એક મેસેજ ફરતો કર્યો છે.
0 comments:
Post a Comment