અનામતની અસર
હિંમતગરમાં કાર્યક્રમનો ફિયાસ્કો, 'બહેન' પરસેવેથી રેબઝેબ
હિંમતગરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમનો ફિયાસ્કો
- આનંદી બહેન પ્રવચન માટે ઊભા થયા ને લોકો ચાલતા થતાં અગ્રણીઓના નૂર ઊડી ગયા
- મેડીકલ કોલેજના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન લોકોએ વિરોધ દર્શાવ્યો
હિંમતનગર:પાટીદાર અનામત આંદોલનની આગ હજુ શમી નથી ત્યારે મુખ્યમંત્રીના જયાં કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યાં પાટીદાર સમાજ તેનો સખ્ત વિરોધ કરી નારાજગી દર્શાવી રહ્યો છે.બહુચરાજી બાદ ગુરૂવારે હિંમતનગરમાં યોજાયેલા મેડીકલ કોલેજના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. જેને લઈ અગ્રણીઓના ચહેરા પરથી નૂર ઊડી ગયું હતું.બહેન પ્રવચન આપવા માટે ઊભા થતાંની સાથે લોકોએ ચાલતી પકડી હતી.જેના કારણે વહીવટી તંત્રના અધિકારીઓ અને જિલ્લા ભાજપના પદાધિકારીઓના મોંઢા પરથી નૂર ઉતરી ગયુ હતું.
હિંમતનગરના હડિયોલ રોડ પર આવેલ મેડીકલ કોલેજ તૈયાર થઇ ગયા બાદ તેના લોકાર્પણનો કાર્યક્રમ ગુરૂવારે બપોરે 3 વાગ્યે યોજાયો હતો. જે પ્રસંગે મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે હોસ્પિટલનું રિબીન કાપી લોકાર્પણ કર્યા બાદ વિવિધ વિભાગોની મુલાકાત આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલ તથા અન્ય રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં લીધી હતી.ત્યારબાદ યોજાયેલા કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરકાંઠાની પ્રજાને મેડીકલ કોલેજરૂપી ભેટને યાદ કરી સરકારની વિકાસગાથા વર્ણવી હતી. જોકે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પોતાનું પ્રવચન આપવા માટે ઉભા થતાની સાથે જ તેમની સામે મંડપમાં બેઠેલી મહિલાઓ સહિત અન્ય લોકો ઉભા થઇને ચાલતી પકડી હતી.
જેના કારણે ઉપસ્થિત રહેલા મહાનુભાવો તથા વહીવટી તંત્રના અધિકારીઓ સહિત જિલ્લા ભાજપના પદાધિકારીઓના પગ નીચેથી જાણે કે ધરતી સરકી રહી હોય તેમ વટાણા વેરાઈ ગયા હતા. બીજી તરફ મહાનુભાવો તેમજ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને લોકોને બેસાડવા માટે અપીલ કરી હતી. પરંતુ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા લોકો ઉભા થઇને ચાલતા થઇ જતા અનેક ખુરશીઓ ખાલી થઇ ગઇ હતી. જોકે ભાજપના કાર્યકરો અને સંગઠનના પદાધિકારીઓ પોતાની આબરૂ બચાવવા માટે બેસી રહ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી સહિત અન્ય રાજકીય અગ્રણીઓ હિંમતનગરથી રાજપુર ખાતે આવેલ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચી ગયા હતા.જયાં રાજપુરના પાટીદારોએ પણ મુખ્ય મંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.
બહેન પરસેવેથી રેબઝેબ
હિંમતનગરમાં મેડીકલ કોલેજના લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમનો ફિયાસ્કો થતાં મુખ્ય મંત્રી આનંદીબેન પટેલ તેમની એસી કારમાં ગોઠવાઇ ગયા બાદ પણ પરસેવાથી રેબઝેબ થઇ ચિંતાતુર બની ગયા હતા.
જિલ્લા પ્રમુખને પણ લોકોએ ઝાટકી નાખ્યા
મુખ્ય મંત્રી આનંદીબેન પટેલનું પ્રવચન શરૂ થતાની સાથે જ મહિલાઓ અને અન્ય લોકોએ ચાલતી પકડતા જિલ્લા ભાજપ પ્રમુખ પી.સી.પટેલ મંચ પરથી સીધા નીચે દોડી આવ્યા હતા અને સભા મંડપની બહાર જતા લોકોને બેસવા માટે આજીજી કરી હતી. પરંતુ લોકોએ તેમની વાત કાને ધરી ન હતી.
0 comments:
Post a Comment