હવે પછી કાદવમાંથી કમળ ખીલવુ જોઇએ નહીઃ
ર૦૧૭માં જવાબ આપજોઃ
જસદણમાં હાર્દિક પટેલની સભામાં વિશાળ મેદની પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની જસદણમાં સભા યોજાતા વિશાળ મેદની ઉમટી પડી હતી. આટકોટ રોડ ઉપર એસપીએસ સંકુલ ખાતે કાલે હાર્દિક પટેલની અગ્રણીઓ સાથે ગૃપ મીટીંગનું આયોજન હતુ. પરંતુ હાર્દિક પટેલના આવવાના સમાચાર સોશ્યલ મીડીયા તેમજ અન્ય માધ્યમો દ્વારા ફેલાતા પાટીદાર સમાજના હજારો યુવાનો શૈક્ષણિક સંકુલ ખાતે ઉપસ્થિત રહેતા સંકુલની અંદર જાહેર સભા યોજાઇ હતી.
આ સભામાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પટેલ સમાજના ૪પ ધારાસભ્યો, આઠ મંત્રીઓ અને ચાર સાંસદો છે જે પૈકી એક પણ વ્યકિત અનામત પ્રશ્ને કશુ બોલતી નથી શું તેઓ પાટીદારની કુખે નથી જન્મેલા ? હવે પછી કાદવમાંથી કમળ ખીલવુ જોઇએ નહીં તેમ જણાવી ર૦૧૭માં જવાબ આપવાનું જણાવ્યું હતું. અમદાવાદની રેલી-સભા મુખ્યમંત્રી તથા વડાપ્રધાને આખો દિવસ તેમના કાર્યાલયમાં બેસીને લાઇવ જોઇ હતી અમદાવાદની રેલી તો એક ટ્રેલર હતું.
૭૦ લાખ પટેલ બહાર આવશે ત્યારે સરકારનું શું થશે ? પોલીસે કરેલા દમનનો યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે. ૯૦ ટકા પાટીદાર સમાજ ગરીબ છે માત્ર ૧૦ ટકા જ સુખી છે. અનામત નહીં હોવાથી પાટીદાર સમાજના ઉચ્ચ ગુણાંક મેળવેલા વિદ્યાર્થીઓ ભરતી, એડમીશન સહિતના ક્ષેત્રે પાછળ રહી જાય છે. શહીદ થયા છે તેઓને ન્યાય મળવો જ જોઇએ. હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું કે પાટીદાર સમાજ એકતા દેખાડી સંગઠનની તાકાત કામે લગાડે તો ફઇબા (આનંદીબેન)ને અનામત ઘરે આપવા આવવુ પડે.
આ જાહેર સભામાં નગરપાલીકાના પૂર્વ પ્રમુખ મુન્નાભાઇ સોજીત્રા, જસદણ ભાજપ પ્રમુખ મધુભાઇ છાયાણી, નગરપાલીકાના પૂર્વ કારોબારી ચેરમેન ભરતભાઇ છાયાણી, પાંચવડાના સરપંચ મધુભાઇ ટાઢાણી, પૂર્વ નગરપતી ધીરૂભાઇ ભાયાણી, વીરનગરના પરેશભાઇ રાદડીયા સહિતના અગ્રણીઓ મંચ ઉપર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્વ સૌરાષ્ટ્ર પટેલ સંકુલના કેમ્પસ ડાયરેકટર કમલેશભાઇ હિરપરાએ હાર્દિક પટેલનું સ્વાગત કર્યું હતું. જય સરદારના સૂત્રચ્ચારો હાથ ઉચા કરી કરવામાં આવ્યા હતા.
0 comments:
Post a Comment